હે ઇઝરાયલ, યહોવાહ તારા ઈશ્વરની પાસે પાછો આવ, કેમ કે તારા અન્યાયને લીધે તું પડી ગયો.
2
તારી સાથે પસ્તાવાના શબ્દો લઈને યહોવાહની પાસે પાછો આવ. તેમને કહો, “અમારાં પાપો દૂર કરો, કૃપાથી અમારો સ્વીકાર કરો, જેથી અમે તમને સ્તુતિના અર્પણ ચઢાવીએ + 14:2 બળદો ચઢાવીએ.
3
આશ્શૂર અમને બચાવી શકશે નહિ; અમે યુદ્ધ માટે ઘોડાઓ પર સવારી કરીશું નહિ. હવે પછી કદી અમે હાથે ઘડેલી મૂર્તિને કહીશું નહિ, ‘કે તમે અમારા દેવો છો,’ કેમ કે અનાથો પર તમારી રહેમનજર છે.”
4
“તેઓના પાછા ફરવાથી હું તેઓને સજા કરીશ નહિ. હું ઉદારપણાથી તેઓના પર પ્રેમ કરીશ, કેમ કે મારો ક્રોધ તેઓના પરથી પાછો ફર્યો છે.
5
હું ઇઝરાયલને માટે ઝાકળ જેવો થઈશ; તે કમળની જેમ ખીલશે, લબાનોનનાં વૃક્ષોની જેમ તેના મૂળ ઊંડા નાખશે.
6
તેની ડાળીઓ ફેલાઇ જશે, તેનો વૈભવ સુંદર જૈતૂનવૃક્ષના જેવો હશે, અને તેની સુવાસ લબાનોનના જેવી હશે.
7
તેના + 14:7 યહોવાહ છાયામાં રહેનારા લોકો પાછા ફરશે; તેઓ અનાજના છોડની જેમ ફળવાન થશે, દ્રાક્ષાવેલાની જેમ ખીલશે; તેની સુગંધ લબાનોનના દ્રાક્ષારસ જેવી થશે.
8
એફ્રાઇમ કહેશે, ‘મારે મૂર્તિઓ સાથે શો લાગભાગ? હું તેની સંભાળ રાખીશ એવો મેં તેને જવાબ આપ્યો. હું દેવદારના લીલા વૃક્ષ જેવો છું; મારી પાસેથી જ તને ફળ મળે છે.”
9
કોણ જ્ઞાની હશે કે તે આ બાબતોને સમજે? કોણ બુદ્ધિશાળી વ્યક્તિ હોય કે તેને આ બાબતનું જ્ઞાન થાય? કેમ કે યહોવાહના માર્ગો સત્ય છે, ન્યાયી માણસ તેના ઉપર ચાલશે, પણ બંડખોરો તેમાં ઠોકર ખાશે.