હે પરાક્રમી યહોવાહના દીકરાઓ, તમે તેમની સ્તુતિ કરો; ગૌરવ તથા સામર્થ્ય યહોવાહને આપો.
2
યહોવાહના નામનું ગૌરવ તેમને આપો; પવિત્રતાની શોભા ધારણ કરીને યહોવાહની સ્તુતિ કરો.
3
યહોવાહનો સાદ સાગરો પર ગાજે છે; ગૌરવવાન ઈશ્વર ગર્જના કરે છે, યહોવાહ ઘણા પાણી પર ગર્જના કરે છે.
4
યહોવાહનો અવાજ સમર્થ છે; યહોવાહનો અવાજ માહાત્મ્યથી ભરપૂર છે.
5
યહોવાહનો અવાજ દેવદારોને ભાંગી નાખે છે; યહોવાહ લબાનોનનાં દેવદારોના ટુકડેટુકડા કરી નાખે છે.
6
તે તેઓને વાછરડાની જેમ કુદાવે છે, જંગલી બળદની જેમ લબાનોન તથા સીર્યોનને કુદાવે છે.
7
યહોવાહનો અવાજ અગ્નિની જ્વાળાને ભેદે છે.
8
યહોવાહનો અવાજ અરણ્યને ધ્રૂજાવે છે; યહોવાહ કાદેશના અરણ્યને ધ્રૂજાવે છે.
9
યહોવાહના અવાજથી હરણીઓના ગર્ભ ગળી જાય છે + 29:9 યહોવાહના અવાજથી ઓક વૃક્ષ પવનથી હાલે છે; ઝાડીઓનાં ડાળાપાંખડાં તૂટી પડે છે; પણ તેમના પવિત્રસ્થાનમાં સર્વ લોકો કહે છે, “તેમને મહિમા હો!”
10
યહોવાહ જળપ્રલય સમયે બિરાજમાન હતા; યહોવાહ સદા સર્વકાળ રાજા તરીકે બિરાજનાર છે.
11
યહોવાહ પોતાના લોકોને સામર્થ્ય આપશે; યહોવાહ પોતાના લોકોને શાંતિનો આશીર્વાદ આપશે.