નિર્ગમન 37

? AI
1
બસાલેલે બાવળના લાકડામાંથી કરારકોશ બનાવ્યો. જેની લંબાઈ અઢી હાથ, પહોળાઈ દોઢ હાથ તથા ઊંચાઈ દોઢ હાથ હતી.
2
તેણે તેને અંદર તથા બહારથી શુદ્ધ સોનાથી મઢીને તેની આસપાસ સોનાની કિનારી બનાવી.
3
તેણે તેના ચાર પાયામાં સોનાનાં ચાર કડાં જોડ્યાં, એટલે તેની એક બાજુએ બે કડાં અને તેની બીજી બાજુએ બે કડાં.
4
તેણે બાવળના લાકડાના દાંડા બનાવ્યાં અને તેને સોનાથી મઢી લીધાં.
5
તેણે કરારકોશને ઊંચકવા માટે તેની બાજુ પરનાં કડાંમાં તે દાંડા પરોવી દીઘા.
6
તેણે શુદ્ધ સોનામાંથી અઢી હાથ લાંબુ અને દોઢ હાથ પહોળું દયાસન + 37:6 દયાસન ઢાંકણ બનાવ્યું.
7
તેણે સોનાના બે કરુબો બનાવ્યાં. તેણે તેમને દયાસનને બન્ને છેડે ઘડતર કામના બનાવ્યાં.
8
એક છેડે એક કરુબ અને બીજે છેડે એક કરુબ. તેના બે છેડા પરના કરુબો તેણે દયાસનની સાથે સળંગ બનાવ્યાં.
9
કરુબોની પાંખો ઊંચે ફેલાવીને પોતાની પાંખો વડે દયાસન પર આચ્છાદન કર્યું. તેઓના મુખ સામસામાં હતા અને દયાસનની તરફ કરુબોનાં મુખ હતાં.
10
બસાલેલે બાવળના લાકડામાંથી બે હાથ લાંબી, એક હાથ પહોળી અને દોઢ હાથ ઊંચી મેજ બનાવી.
11
આખી મેજને શુદ્ધ સોનાથી મઢી લઈને મેજની ચારે તરફની ધાર પર સોનાની કિનારી બનાવી.
12
તેણે તેની ફરતે ચાર ઈંચની કિનાર બનાવી અને તેની ફરતે સોનાની કોર મૂકી.
13
તેણે તેને ઊંચકવા માટે સોનાનાં ચાર કડાં બનાવ્યાં અને ચાર ખૂણે ચાર પાયામાં જડી દીધાં.
14
મેજ ઊંચકવાની દાંડીની જગ્યાઓ એટલે કડાં એ કિનારીની નજીક હતા.
15
તેણે મેજ ઊંચકવા માટે બાવળના લાકડાની દાંડીઓ બનાવી અને તેને સોનાથી મઢી લીધી.
16
તેણે મેજ માટેનાં વાસણો, એટલે થાળીઓ, ચમચીઓ, વાટકા, બરણીઓ અને પેયાર્પણ માટેના પ્યાલા શુદ્ધ સોનાનાં બનાવ્યાં.
17
તેણે શુદ્ધ સોનાનું દીપવૃક્ષ બનાવ્યું. ઘડતર કામનું દીપવૃક્ષ તેણે બનાવ્યું. એટલે તેની બેઠક તથા તેનો દાંડો, તેનાં ચાડાં, તેની કળીઓ તથા તેનાં ફૂલ તે તેની સાથે સળંગ જોડેલાં હતાં.
18
દીપવૃક્ષની બન્ને બાજુએ ત્રણ ત્રણ એમ કુલ છ શાખાઓ હતી.
19
એક શાખામાં બદામફૂલના આકારનાં બનાવેલાં ત્રણ ચાડાં, એક કળી તથા એક ફૂલ અને બીજી શાખામાં બદામફૂલના આકારનાં બનાવેલાં ત્રણ ચાડાં, એક કળી તથા એક ફૂલ, આમ દીપવૃક્ષમાંથી નીકળતી કુલ છ શાખાઓ હતી.
20
દીપવૃક્ષમાં બદામફૂલના આકારના બનાવેલા ચાર ચાડાં, તેઓની કળીઓ તથા તેઓના ફૂલ હતાં.
21
દીપવૃક્ષનાં સ્તંભ ઉપર બબ્બે શાખાઓની દરેક જોડી નીચે એક એક ફૂલ હતું. વળી ટોચની શાખાની જોડીના ઉપરના ભાગમાં પણ એક ફૂલ હતું અને નીચેની શાખાઓની જોડીના નીચેના ભાગમાં એક ફૂલ હતું, આમ ચાર ફૂલ હતાં.
22
દીવીની થાંભલી સાથે શાખાઓ અને કળીઓ જોડી દેવામાં આવ્યા હતાં અને એ બધું શુદ્ધ સોનાનાં ઘડતર કામનું હતું.
23
બસાલેલે તેના સાત દીવા, દીવી માટે સાત કોડિયાં બનાવ્યાં. દિવેટની વાટ સમારવાની કાતર અને રાખદાનીઓ શુદ્ધ સોનામાંથી બનાવ્યાં.
24
તેણે દીપવૃક્ષ અને તેનો સાજ બનાવવામાં એક તાલંત + 37:24 35 કિલોગ્રામ શુદ્ધ સોનું વાપર્યું હતું.
25
બસાલેલે ધૂપ માટેની વેદી બાવળના લાકડામાંથી બનાવી. તેની લંબાઈ એક હાથ, પહોળાઈ એક હાથ તથા ઊંચાઈ બે હાથ અને સમચોરસ હતી. તેના શિંગ તેની સાથે સળંગ જોડેલાં હતાં.
26
આખી વેદીને તેણે શુદ્ધ સોનાથી મઢી હતી, એટલે તેની ચારે તરફની બાજુઓ તથા તેના શિંગ અને તેની આસપાસ તેણે સોનાની કિનારી બનાવી.
27
તેણે તેને માટે બે સોનાનાં કડાં બનાવીને બન્ને બાજુએ કિનારીની નીચે જડી દીધાં. જેથી તેને ઊંચકતી વખતે દાંડા પરોવી શકાય.
28
તેણે બાવળનાં લાકડાના દાંડા બનાવીને સોનાથી મઢ્યા.
29
તેણે અભિષેક માટેનું પવિત્ર તેલ તથા શુદ્ધ ખુશબુદાર સુગંધીઓનો ધૂપ બનાવ્યાં.